હવામાન@ગુજરાત: રાજ્યમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચશે, જાણો અંબાલાલ પટેલની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. પવનની દિશા બદલાવાને કારણે ઠંડક ઘટશે અને બપોરના સમયે ગરમીનો પ્રભાવ વધુ અનુભવાશે. અમદાવાદ અને ભુજ જેવા શહેરોમાં પારો અત્યારથી જ 35 ડિગ્રીને પાર કરી ગયો છે, જે આગામી દિવસોમાં 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતિમ દિવસો અને માર્ચની શરૂઆત માટે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 27 અને 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ વિક્ષોભ વધુ શક્તિશાળી ન હોવાથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ વાતાવરણમાં પલટો જરૂર જોવા મળશે.કયા વિસ્તારોમાં થઈ શકે છે વાદળછાયું વાતાવરણ? અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળો આવશે અને ક્યાંક છૂટાછવાયા છાંટા પડવાની સંભાવના છે.
3 માર્ચની આસપાસ પણ વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે, પરંતુ આ વિક્ષોભ નબળા હોવાથી ખેડૂતોએ માવઠા જેવી સ્થિતિથી બહુ ડરવાની જરૂર નથી.અંબાલાલ પટેલે એક ચિંતાજનક મુદ્દો પણ રજૂ કર્યો છે કે હિમાલયના ટોચના ભાગોમાં પૂરતો બરફ જામવો જરૂરી છે. જો પશ્ચિમી વિક્ષોભ નબળા રહેશે તો બરફ ઓછો જામશે, જેની સીધી અસર ઉનાળામાં પાણીની આવક પર પડી શકે છે. હાલમાં લઘુત્તમ તાપમાન પણ 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હોવાથી નાગરિકોને બપોરે ગરમી અને વહેલી સવારે સામાન્ય ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરના સમયે તડકો વધુ હોવાથી પૂરતું પાણી પીવું, હળવા સુતરાઉ કપડાં પહેરવા અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ જેથી હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચી શકાય.

