હવામાન@ગુજરાત: અનેક શહેરોમાં વાતાવરણ પલટાયું, ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો, આજે ક્યાં વરસાદની શક્યતા?

 
હવામાન
માર્ચમાં જ તાપમાનનો પારો 7 ડિગ્રી વધ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એક તરફ રાજ્યમાં માર્ચ મહિનામાં જ મે મહિના જેવી આકરી ગરમી પડી રહી છે, અને બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18થી 20 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી અસર જોવા મળશે.

આજે પાટણ, બનાસકાંઠા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકામા વરસાદની શક્યતા. 20 માર્ચે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે.અમદાવાદ સહિત અનેક શહેરોમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના લીધે હવામાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે. વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સામાન્ય રીતે માર્ચ મહિનામાં આટલી આકરી ગરમી હોતી નથી, પરંતુ આ વર્ષે સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં અનેક જગ્યાએ તાપમાન સામાન્ય કરતા 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ઠંડા પીણા અને આઈસ્ક્રીમના સ્ટોલ પર ભીડ વધી છે.હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.