હવામાન@ગુજરાત: આગામી 24 કલાક બાદ વાતાવરણમાં આવશે પલટો, બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જશે

 
હવામાન
ગુજરાતભરમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને ઠંડી ગાયબ થઈ રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોની સાથે અનેક વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાવવાને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે વિસ્તૃતમાં આગાહી કરી છે તે જોઈએ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જશે. લઘુત્તમ તાપમાન પાંચ દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી ધીરે ધીરે નીચું જશે.

ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક સુધી હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન જોવા મળશે. એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. જે બાદ દરિયાકાંઠાના વિસ્તાર સહિત ગુજરાતભરમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.હવામાન વિભાગે વધુમાં જણાવ્યુ છે કે, નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે અને અન્ય એક ટ્રફ પણ બની રહ્યુ છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, હવાની દિશાને કારણે તાપમાનમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે.

અમદાવાદ હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આગામી 24 કલાક અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 15 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે પોરબંદરમાં 17.6, રાજકોટમાં 20.2, ગાંધીનગરમાં 18.8, અમદાવાદમાં 21.9, વડોદરામાં 21.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.