હવામાન@ગુજરાત: 24 કલાકમાં 93 તાલુકામાં મેઘમહેર, આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

 
વરસાદ
રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલકામાં વરસાદનો વિસ્તાર વધ્યો છે. 24 કલાકમાં ગુજરાતના 93 તાલુકામાં મેઘ મહેર જોવા મળી હતી.જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરમાં 2 ઈંચ નોંધાયો હતો.91 તાલુકા એવા છે જ્યાં એક ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં માત્ર બે જ તાલુકામાં એક ઈંચ કરતા વધાર વરસાદ નોંધાયો હતો. જેમાં ભાવનગરમાં 1.97 ઈંચ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે અને આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટા જ પડશે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓને નકારી છે અને સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ અપરએર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ સેવવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે આગામી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શકયતાઓ નથી. રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી 6 થી 8 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.