હવામાન@ગુજરાત: આગામી 5 દિવસ વાવાઝોડાનું જોખમ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

 
વાવાઝોડું

40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 2 ટકા વધુ વરસાદ થયો છે અને હવે ફરી એકવાર ભારે વરસાદનો સમયગાળો શરૂ થવાનો છે. હવામાન વિભાગે ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. તેનું કારણ સાયક્લોનિક સરક્યુલેશન છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં 73.75 ટકા વરસાદ નોંધાયો છે. જે સિઝનના સરેરાશ વરસાદ કરતાં 2 ટકા વધુ છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 88.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 88.38 ટકા, સૌરાષ્ટ્રમાં 81.40 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 57.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં 54.78 ટકા વરસાદ નોંધાયો છે. 23 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ છે.આ સાથે જ 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટે ગુજરાતના દાહોદ, મહિસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.