હવામાન@ગુજરાત: કાળઝાળ ગરમી વચ્ચે વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી

 
આંધી

હીટવેવના કારણે આ સીઝનમાં 270 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જોવા મળ્યો. આમ છતાં હાલ દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં વિધિવત રીતે દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ વખતે ચોમાસું જલદી બેસી ગયું છે.

એકબાજુ દેશમાં હીટવેવના કાળા કેરથી 25 ચૂંટણી કર્મચારીઓ સહિત 40 લોકોના મોત થયા છે, લોકો બેહાલ જોવા મળી રહ્યા છે ત્યારે  દેશના અન્ય ભાગોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. અગનભઠ્ઠી બનેલા ઉત્તર ભારતમાં ચૂંટણી કર્મચારીઓ સહિત લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. દેશમાં હીટવેવના કારણે આ સીઝનમાં 270 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપીમાં 160, બિહારમાં 65, ઓડિશામાં 41 જેટલા લોકોનો ભોગ લેવાઈ ગયો છે. ગઈ કાલે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે.

ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 4 જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહી નોંધાય. અમદાવાદની વાત કરીએ તો મે મહિનો અમદાવાદ શહેર માટે કાળઝાળ બની રહ્યો. 31 દિવસમાંથી 27 દિવસ તો સરેરાશ મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર જોવા મળ્યું. લોકો કાગડોળે જૂનમાં વરસાદ વરસે અને ગરમીથી રાહત મળે તેવી રાહ જોઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે 11 જૂન બાદ વરસાદ પડે તેવી સંભાવના છે. 

અમદાવાદમાં 1થી 5 જૂન દરમિયાન તાપમાન 41 થી 42 ડિગ્રી આજુબાજુ રહી શકે છે. જ્યારે 5-7 જૂનના ગરમીમાં વધારો થતા તાપમાન 44 ડિગ્રી પર પહોંચી શકે. જો કે 8 જૂન બાદ ગરમી ઘટી શકે અને 11 જૂન બાદ વરસાદ પડી શકે છે. 11થી 18 જૂન દરમિયાન અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.