હવામાન@ગુજરાત: આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ, ઉનાળુ વાવેતરને તેની મોટી અસર થઈ શકે

 
વરસાદ આગાહી
 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી 

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આ આગાહી ખેડૂતો માટે ચિંતાતુર બની રહેવાની છે. કારણ કે, ખેડૂતોના ઉનાળુ વાવેતરને તેની મોટી અસર થઈ શકે છે. હવામાન વિભાગે 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર અને સુરત, તાપી, નવસારી નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે. 28, 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિમી ઝડપે પવન ફૂંકાશે. દરિયાઇ ભાગો વિસ્તારમાં 40 કિમી ઝડપે પવનની ગતિ રહેશે.અંબાલાલ પટેલે ગુજરાતના લોકોને સતર્ક રહેતા કહ્યું કે, આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે.

મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં 43 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, નડિયાદ અને આણંદના ભાગોમાં ગરમી વધુ પડે શકે છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો કચ્છના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. જામનગર, જુનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત,વલસાડના ભાગોમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, એપ્રિલ માસની શરૂઆતમાં આંધી, વંટોળ અને મોસમ પરિવર્તનમાં બદલાવ આવશે.