હવામાન@ગુજરાત: અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

 
તાપમાન
13 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધુ વધશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

એકતરફ રાજ્યમાં અસહ્ય ગરમી અને ઉકળાટ યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે વાતાવરણમાં વધેલા ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની મોટી આગાહી કરી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે, પરંતુ હાલ પૂરતો પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે જેને કારણે લોકો બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે.

 

આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ખાસ કરીને તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરમિયાન દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને લીધે ઘણા જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, આગામી 13 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધુ વધશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 

બીજી તરફ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 42.1 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. આ સિવાય ભાવનગરમાં 41.6 પાટનગર ગાંધીનગરમાં 41.5 સુરેન્દ્રનગરમાં 41.6 અને સંસ્કારી નગરી વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે અમરેલીમાં 40 રાજકોટમાં 40, ડીસામાં 39 કંડલામાં 38.6 અને ભુજમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો અસહ્ય ઉકળાટ અનુભવી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ અને ભેજને લીધે આગામી બે દિવસ બફારો હજુ વધશે, પરંતુ 13 જૂન પછી મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરે તેવી પૂરી સંભાવના છે.