હવામાન@ગુજરાત: દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી કમોસમી વરસાદ, આજે નવ જિલ્લામાં વરસાદનું જોખમ

 
હવામાન
રવિ પાક અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે. પરંતુ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ નોંધાયો છે. ગુરુવારે દેવભૂમિ દ્વારકા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા બાદ આજે શુક્રવાર વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે.

કલ્યાણપુરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખંભાળિયામાં પંથકમાં વ્યાપક પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાટિયા અને ભાણવડમાં વરસાદી ઝાપટાં સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગની આગાહી  અનુસાર, બે સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં આ ફેરફાર આવ્યો છે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર મુખ્ય છે. આ વિસ્તારોમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ ભારે વરસાદ અને તીવ્ર પવન સાથે ગાજવીજની શક્યતા છે. વરસાદ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે.