હવામાન@ગુજરાત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજયમાં કમોસમી વરસાદની આગાહી

 
વરસાદ
તાપમાનમાં ઘટાડો થશે અને રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સહિતના કેટલાક રાજયોમાં કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે પવન સાથે રાજ્યોમાં કરા સાથેની આગાહી કરાઇ છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી રાહત મળશે. આ સિસ્ટમના કારણે ઉત્તર ભારત, મધ્ય ભારત સહિતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ પલટાશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ,સૌરાષ્ટ્રમાં છૂટછવાયો વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વરસાદ છૂટછવાયો હશે, પરંતુ ભારે પવન અને ગાજવીજ સાથે વરસશે. ભરઉનાળે કમોસમી વરસાદની આગાહીથી તૈયાર થયેલા શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

આ દરમિયાન હવામાન વિભાગે પણ રાજ્યમાં વાતાવરણમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગે 17 માર્ચની આસપાસ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને 15 માર્ચ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને રાજ્યના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ વાદળછાયા વાતાવરણ વચ્ચે 18 માર્ચની આસપાસ કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ,મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ,બોટાદ, ભાવનગર, અમરેલી,દીવ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.હાલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીનો પ્રકોપ અનુભવાઇ રહ્યો છે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40ને આંબી ગયો છે.

અંબાલાલ પટેલે ફરી એકવાર કમોમસમી વરસાદના સંકેત આપ્યાં છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, "આગામી દિવસોમાં ઘણા ભાગોમાં પ્રિમોન્સૂન એકટિવિટીના ભાગરૂપે માવઠું થઇ શકે છે. 15 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જેની અસરથી કમોસમી વરસાદનું અનુમાન છે" અંબાલાલ પટેલે ખાસ તો કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. અંબાલાલના મત મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 15 માર્ચ બાદ હવામાનમાં પલટો આવશે.