હવામાન@ગુજરાત: 25 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો, હજુ પાંચ દિવસ માવઠા માટે એલર્ટ જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને 25 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ માવઠા માટે એલર્ટ જાહેર કરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. શનિવારે વહેલી સવારથી જ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નવસારીમાં સૌથી વધુ 4 ઈંચ, વલસાડના ઉમરગામમાં 175, જ્યારે ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 1.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતાં અમરેલી, વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
જેમાં રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના ઘારી અને ખાંભા પંથકમાં માવઠું થયું છે. ખાંભા શહેરમાં ધીમી ધારે વરસાદ પડ્યો, તો ઘારીના ત્રંબકપુર અને ગોંવીદપુર ગામમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાંભા તાલુકાના દિવાના સરાકડિયા, નાનુડી, દાઢીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. એવામાં મગફળી, કપાસ, તુવેર સહિતના પાકને નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

