હવામાન@ગુજરાત: ભરઉનાળે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉ.ગુજરાતમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, ભરુચ, નર્મદા, તાપીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, વાતાવરણમાં બદલાવ આવતા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગરમથી રાહત મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે સાથે અમદાવાદમાં 39.5 ડિગ્રી, ડીસામાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 39.8 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, સુરતમાં 39.3 ડિગ્રી, ભુજમાં 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ઉત્તર ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે.
સોમવારે બનાસકાંઠાના ડીસામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતું. જ્યારે મંગળવારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ હતું. સતત બીજા દિવસે પારો 41 ડિગ્રી રહ્યો હતો. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમી વધી હતી. હજુ આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ હોય લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.માર્ચ મહિનામાં પરંતુ સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યુ છે અને આકરા ઉનાળાનો લોકો અનુભવ કરી રહ્યા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહયા છે. ત્યારે એપ્રિલ અને મે મહિનામાં કેવી સ્થિતિ સર્જાશે તેની ચિંતા લોકોમાં પ્રસરી છે. હાલ વધેલી ગરમીને પગલે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહયા છે. બીજી તરફ ઠંડા-પીણાના સ્ટોલ ઉપર લોકોની ભીડ વધવા લાગી છે.
દિવસભર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ બપોરના સમયે સૂર્ય નારાયણ તપતાં તોબાહ પોકારતી આકરી ગરમી પડી રહી છે.માર્ચ મહિનાની શરૂઆત સાથે, સમગ્ર ભારતમાં લોકો પહેલાથી જ પુષ્કળ પરસેવો પાડી રહ્યા છે. આ વર્ષે, ભારતના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ૮ થી ૧૩ ડિગ્રી સેલ્સિયસ વધી ગયું છે. ૧૦ માર્ચે, મુંબઈમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ૭ માર્ચે, દિલ્હીમાં ૩૫.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. છેલ્લા ૫૦ વર્ષમાં માર્ચના પહેલા અઠવાડિયાનો આ સૌથી ગરમ દિવસ હતો. વધુમાં, ૧૧ માર્ચ, બુધવારના રોજ, દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં ૮.૪ ડિગ્રી વધારે છે.

