હવામાન@ગુજરાત: કાળઝાળ ગરમી પહેલાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોમાં ચિંતા

 
વરસાદ
રાજ્યના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં હવે કાળઝાળ ગરમીની શરૂઆત થાય તે પહેલાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. એક તરફ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે, તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.અમરેલી અને ભાવનગર જિલ્લામાં માવઠાની પ્રબળ શક્યતા છે. અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદી માહોલ રહી શકે છે. નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.વરસાદની આગાહી વચ્ચે રાજ્યના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેના કારણે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

આ વર્ષે શિયાળાની જમાવટ ઓછી જોવા મળી છે. તેના મુખ્ય ત્રણ કારણો છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ ન સર્જાતા હિમવર્ષા ઓછી થઈ છે.પ્રશાંત મહાસાગરમાં વધતા તાપમાનને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હૂંફાળો રહ્યો છે.અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ પવનોને લીધે લઘુતમ તાપમાનમાં ધારી શકાય તેવો ઘટાડો થયો નથી. છેલ્લા 15 વર્ષના આંકડા જોતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીના દિવસોની સંખ્યા ઘટી રહી છે. નલિયામાં પણ ગત વર્ષની સરખામણીએ પારો 10 ડિગ્રીથી નીચે જવાની ઘટનાઓ ખૂબ ઓછી નોંધાઈ છે.માત્ર ગુજરાત જ નહીં, પણ સમગ્ર દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે.

કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં 26 થી 28 ફેબ્રુઆરી અને ફરી 2-3 માર્ચે ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. આંદામાન-નિકોબારમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બંગાળ, સિક્કિમ, કર્ણાટક અને કેરળમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.આગામી દિવસોમાં તાપમાનમાં હજુ 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જે ઉનાળાના વહેલા આગમનનો સંકેત આપી રહ્યો છે.