હવામાન@ગુજરાત: રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી, કયા વિસ્તારમાં પડશે વરસાદ? જાણો

 
વરસાદ
મહીસાગર અને પાટણ જિલ્લામાં પણ વરસાદનું એલર્ટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગરમી વચ્ચે બદલાતા હવામાનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં અચાનક વરસાદ ખાબકી શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો પણ નોંધાઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. તે ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે મહીસાગર અને પાટણજિલ્લામાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવા સલાહ આપી છે. ખાસ કરીને ખેતી પાકોને નુકસાન ન થાય તે માટે યોગ્ય તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.