હવમાન@ગુજરાત: રાજ્યમાં 26થી 29 સુધી અનેક જગ્યાએ અતિભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બંગાળની ખાડીના ઉત્તર તરફના ભાગમાં આજે વહેલી સવારે 5:30 વાગ્યા આસપાસ લોકપ્રેશર સર્જાવા પામ્યું છે. આ સિસ્ટમના કારણે આજથી આંધ્રપ્રદેશ કર્ણાટક કેરલા ઓડીસા સહિતના દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની અને તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે.બંગાળની ખાડીની આ સિસ્ટમના કારણે ગુજરાતમાં આજથી અને સૌરાષ્ટ્ર કચ્છમાં તારીખ 26 થી 29 સુધી અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની અને તોફાની પવનની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો છે. પરંતુ તેમાંથી માત્ર સાથ તાલુકામાં જ એક ઇંચ કે તેથી વધુ વરસાદ છે. વલસાડ જિલ્લામાં ધરમપુરમાં બે પારડીમાં બે કપરાડામાં સવા વલસાડ શહેરમાં પોણો ઈંચ અને વાપીમાં અડધો ઇંચ વરસાદ થયો છે. તાપી જિલ્લાના વ્યારામાં અને વાલોદમાં બે બે ઇંચ પાણી પડ્યું છે. જ્યારે સોનગઢમાં પોણો ડોલવણમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા 24 કલાકમાં 23 તાલુકામાં વરસાદ છે પરંતુ તે સામાન્ય ઝાપટાના સ્વરૂપમાં જ રહ્યો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ શહેરમાં આઠ મીલીમીટર નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં વલભીપુર તળાજા સિહોર ઉમરાળા અને ભાવનગર શહેરમાં સામાન્ય ઝાપટા પડ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર અને દ્વારકા શહેરમાં સામાન્ય ઝાપટા પડ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ઉના જુનાગઢ શહેર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ અમરેલી શહેર સહિતના વિસ્તારોમાં અને શહેરોમાં સામાન્ય વરસાદ થયો છે.