હવામાન@ગુજરાત: જૂનાગઢ-ગીર સોમનાથમાં જળબંબાકારની સ્થિતિ, સુત્રાપાડામાં 9 ઇંચ વરસાદ

 
વરસાદ
જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 9 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ રાત ઉજાગરા કરવા પડ્યા છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે. જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે લાછડી નાની સિંચાઈ ડેમ પણ છલકાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.