હવામાન@ગુજરાત: 15મી જુલાઈથી વાતાવરણ પલટાશે, 16થી 20 જુલાઈ ધોધમાર વરસાદની આગાહી

 
હવામાન

લોકોને કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ અને સ્થાનિક હવામાન નિષ્ણાતો દ્વારા આગામી 15મી જુલાઈથી વાતાવરણમાં મોટો બદલાવ આવવાની વકી કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં 16 જુલાઈથી 20 જુલાઈ સુધી સળંગ પાંચ દિવસ હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની સત્તાવાર આગાહી જાહેર કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોને કાળઝાળ ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે. હાલમાં શહેરમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે, તેમજ હવામાં અસહ્ય ઉકળાટને કારણે નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે.

15 જુલાઈથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાવાને કારણે વાદળો ઘેરાશે. બંગાળની ખાડી સક્રિય થતાં 16મી જુલાઈથી 20મી જુલાઈ સુધી વરસાદી માહોલ જામશે. આ વરસાદી રાઉન્ડથી વાવણી કરી ચૂકેલા ખેડૂતો અને ગરમીથી ત્રસ્ત શહેરીજનો બંનેને મોટો ફાયદો થશે. મનપા તંત્ર પણ વરસાદની સંભાવનાને પગલે પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપી સજ્જ બન્યું છે.અમદાવાદ શહેરમાં આગામી 15મી જુલાઈથી પવનોની દિશા બદલાવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવશે. આ પલટાની સાથે જ આગામી 16મી જુલાઈથી 20મી જુલાઈ સુધી સળંગ પાંચ દિવસ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે, જેનાથી લોકોને બફારામાંથી મુક્તિ મળશે. 

14 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. તેના પ્રભાવ હેઠળ ગુજરાતમાં વરસાદનો નવો ઉત્સાહજનક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ સંભવિત ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસ ખાતે વોટર પંપ તૈનાત કરીને સજ્જ બન્યું છે.