હવામાન@ગુજરાત: રાજ્યમાં ક્યારે ચોમાસું પહોંચશે? આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી? જાણો

 
Varsad

સુરતની સાથે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ વરસી શકે છે. તો છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.આ તરફ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. ત્યારે આગામી સપ્તાહથી ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં અઠવા,રાંદેર,પાલ,અડાજણ જહાંગીરપુરા, પીપલોદ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાથે જ રેલ્વે સ્ટેશન રોડ, ચોક બજાર, ભાગળ, વૃષભ ચાર રસ્તા, ગૌરવપથ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોધાયો હતો. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.સુરતની સાથે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે.

વહેલી સવારે વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદ પડતા જ કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઇ હતી. તો કેટલાક વિસ્તારના રસ્તામાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દાહોદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો.