હવામાન@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? દક્ષિણ ગુજરાતમાં નવી આગાહી

 
વરસાદ
12મી થી 15મી જુલાઈ દરમિયાન કોરૂ ધાકોર વાતાવરણ રહેવાની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 25 તાલુકામાં એક ઈંચથી વધુ મેઘ મહેર થઈ છે. ઉમરગામ, કામરેજમાં સૌથી વધારે 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 3 ઈંચ, બોરસદમાં 3 ઈંચ, વાપીમાં 3 ઈંચ, વલસાડમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી અનુસાર, 12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે. રાજ્યમાં આગામી 12મી થી 15મી જુલાઈ દરમિયાન કોરૂ ધાકોર વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં વરસાદી ઝાપટા અને દરિયા કિનારોમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 16મી જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. 17થી 24મી જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે.