હવામાન@ગુજરાત: છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું, આ તારીખથી હીટવેવનો રાઉન્ડ આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું છે. અમદાવાદ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. અચાનક જ ઠંડા પવનની સ્પીડ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન ગગડ્યું છે અને ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે અકળામણ અનુભવાશે. આગામી 24 કલાક અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી થવાની આગાહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઘટી 14.7 ડિગ્રીએ પહોંચી જતાં સવારે ઠંડક વર્તાઈ હતી.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હીટવેવના રાઉન્ડ અંગે જણાવ્યું કે, માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન ઊંચું આવ્યું હતું. હજુ કોઈ હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો નથી. આજથી પવનની ઝડપના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થશે.
હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 તારીખથી ચાલુ થઈ રહ્યો છે. 9થી 13 માર્ચ સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહી શકે છે. આ રાઉન્ડ ટૂંકો હશે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. તાપમાન ઘટવાનું છે. હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે.
મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો હીટવેવનો રાઉન્ડ આવે તેવી કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાન અંગેની વાત કરીએ તો, સૌથી વધુ મહત્તમ તાપમાન દમણમાં 36.4 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 33.4 ડિગ્રી, સુરતમાં 34.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35.3, અમદાવાદ અને ગાંધીનગરમાં 32 ડિગ્રી, રાજકોટમાં 34 ડિગ્રી તથા નલિયામાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 11.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.