હવામાન@ગુજરાત: રાજ્યમાં શિયાળાની સત્તાવાર જમાવટ, પારો 3 ડિગ્રી ગગડતાં ઠંડીનું જોર વધશે

 
ઠંડી
17 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 21 નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે. એક તરફ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમ વર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી વાવાઝોડાને કારણે દેશના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. આવતીકાલથી બે દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે, જેના કારણે લોકોએ હવે સ્વેટર અને જેકેટ બહાર કાઢવા પડશે.રાજ્યમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ઉપરાંત વડોદરા અને ડીસામાં 18 ડિગ્રી, રાજકોટમાં 18.2 ડિગ્રી, ભૂજમાં 19.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.8 ડિગ્રી, અમરેલીમાં 20.2 ડિગ્રી અને ભાવનગરમાં 20.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના શહેરો પોરબંદરમાં 23.4 ડિગ્રી અને સુરતમાં 23.6 ડિગ્રી તાપમાન રહ્યું છે.

અમદાવાદમાં ગત રાત્રે લઘુતમ તાપમાન 21.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસમાં અમદાવાદનો પારો ગગડીને 17 થી 19 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે, અને 28 નવેમ્બર બાદ તાપમાન 16 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે. દેશમાં હાલ બેવડી ઋતુ અને બે અલગ-અલગ હવામાન પ્રણાલીઓની અસર જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું અક્વાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ, 20 નવેમ્બરની બપોર સુધીમાં આ વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશના નરસાપુર અને દક્ષિણ ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને દક્ષિણ-પૂર્વ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. વાવાઝોડાની પરોક્ષ અસરના ભાગરૂપે ગુજરાતમાં 27 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં સતત થઈ રહેલી બરફવર્ષા અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. મેદાની વિસ્તારોમાં પણ ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ, દક્ષિણ ભારતના પ્રખ્યાત હિલ સ્ટેશન ઉટીમાં પણ આ સિઝનની પ્રથમ હિમવર્ષા નોંધાતા સમગ્ર વિસ્તારમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.