હવામાન@ગુજરાત: આજે નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ, 164 તાલુકામાં વરસાદ નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગના મતે રાજ્યમાં એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આ તરફ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં જ સીઝનનો 38 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના તમામ ઝોનમાં 30 ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં 18 જેમ ઓવરફ્લો થયા હતા. અત્યાર સુધીમાં ચાર તાલુકા એવા છે કે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ થયો હતો તો 34 તાલુકા એવા છે કે જ્યાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના સૂઈગામ અને પાટણના રાધનપુરમાં અત્યાર સુધીમાં બે જ તાલુકામાં સરેરાશ બે ઈંચ માંડ વરસાદ વરસ્યો છે.રાજ્યના 164 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં પોણા છ ઈંચ, બનાસકાંઠાના ધાનેરામાં સાડા ચાર ઈંચ, જામનગરના જોડીયામાં ચાર ઈંચ,રાજકોટના જામકંડોરણામાં સાડા ત્રણ ઈચ વરસાદ વરસ્યો હતો.