હવામાન@ગુજરાત: આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીની ચેતવણી સાથે 'યલો એલર્ટ'
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગે આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીની ચેતવણી સાથે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.હવામાન વિભાગ આગાહી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા છે, જેને પગલે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ થશે.
જ્યારે 17મી એપ્રિલ સુધી આકરી ગરમીની યલો ઍલર્ટ જાહેર કર્યું છે અને કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે હવામાન વિભાગે ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. આકાશ ચોખ્ખું રહેવાને કારણે હીટ ઇન્ડેક્સમાં વધારો થશે, જેનાથી સામાન્ય તાપમાન કરતા પણ વધુ ગરમી અનુભવાશે.
જ્યારે ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે દેશના 12થી વધુ રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક પ્રદેશોમાં કરા પડવાની અને વીજળી પડવાની સંભાવનાને જોતા ખેડૂતોને સતર્ક રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવા સૂચના અપાઈ છે.

