હવામાન@ગુજરાત: સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ, આગામી સાત દિવસ સુધી ઠંડીનું જોર યથાવત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે. પવનની બદલાતી દિશા અને ઉત્તર-પૂર્વથી ફૂંકાતા તેજ પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને પવનની ગતિમાં વધારો થતા લઘુત્તમ તાપમાન સ્થિર હોવા છતાં સામાન્ય નાગરિકોને ઠંડીની તીવ્રતા વધુ વર્તાઈ રહી છે.હવામાન નિષ્ણાતોના મતે, પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ઉત્તરીય પવનોની અસરને પગલે મેદાની વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે આગામી એક સપ્તાહ સુધી તાપમાનના પારામાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
રાજ્યના લઘુત્તમ તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છનું નલિયા 13.8 °C તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ તાપમાન સામાન્ય સરેરાશ કરતા 2 °C જેટલું ઊંચું હોવા છતાં પવનોની અસરને લીધે ત્યાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકોને સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. હાલમાં કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ન હોવાથી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ વહેલી સવારે ઝાકળ અને ઠંડા પવનોને કારણે ઠંડીની અનુભૂતિ મધ્યમ સ્તરે જળવાઈ રહેશે.

