હવામાન@ગુજરાત: રાજ્યમાં સતત બીજા દિવસે ધુમ્મસભર્યુ વાતાવરણ, ઠંડીમાં આંશિક વધારો
આકાશમાં ધુમ્મસસર્જાતા વિઝીબિલિટી પર અસર વર્તાઈ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સતત બીજા દિવસે ધાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં આંશિક વધારો થયો હતો. આજે સવારે નલિયા ખાતે 7.5 અને રાજકોટમાં 9 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. તેમજ આજે સવારે અમદાવાદ ખાતે 12.7, અમરેલીમાં 11.8, વડોદરામાં 14.2, ભાવનગરમાં 13.5, ભુજમાં 10.6, ડિસામાં 12.8, દિવમાં 13.2, દ્વારકામાં 14.5, ગાંધીનગરમાં 11, કંડલામાં 13, પોરબંદરમાં 11, સુરતમાં 16.8 તથા વેરાવળમાં 13.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.દરમ્યાન સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારોમાં બપોર સુધી વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજય જોવા મળ્યું હતું.
સાવરકુંડલાના ગીરકાંઠાના વિસ્તારોમાં આકાશમાં ધુમ્મસસર્જાતા વિઝીબિલિટી પર અસર વર્તાઈ હતી.સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની ચેતવણી વચ્ચે અચાનક આજે સવારમાં ધુમ્મસ વધતા અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ભેજ વાળું આવરણ છવાઈ ગયું હતું અને પવનના કારણે વાતાવરણમાં ઠંડી યથાવત રહી છે. આગામી દિવસોમાં હવામાન પલટા સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં કોલ્ડવેવની ચેતવણી પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું યથાવત રહ્યું છે તો રાજકોટ, કેશોદમાં તાપમાન સિંગલ આંકડામાં પહોંચી ગયું છે. ગિરનાર ઉપર પારો 5 ડીગ્રીએ પહોંચી જતા પર્વત થીંગરાયો હતો. જયારે અમરેલીમાં 11 ડિગ્રી નોંધાયું છે.
સૌરાષ્ટ્ર, કચ્છમાં અને રાજયમાં હવામાન પલટા સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારે અમરેલી શહેરમાં ધુમ્મસ જોવા મળ્યું હતું તો સાવરકુંડલા પંથકના ગીરકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી લઈ બપોર સુધી વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજય જોવા મળ્યું હતું જેના કારણે વિઝીબિલિટી પર પણ અસર જોવા મળી હતી. જામનગરમાં ગાઢ -ધુમ્મસ સાથે ઠંડી વધતા લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી ઘટીને 12.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. દિવસભર ટાઢોડું રહેતા ઠંડીથી બચવા લોકો ઘરમાં રહેતા માર્ગો સૂમસામ જોવા મળ્યા હતાં. વાદળછાયા વાતાવરણથી ભેજનું પ્રમાણ 27 ટકા વધી ગયું હતું.