હવામાન@દેશ: ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, 12 રાજ્યોમાં યલો ઍલર્ટ જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોમાસાની વિદાય પહેલાં જ દેશભરમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. મોનસૂન એક્ટિવિટી રી-એક્ટિવ થવાના કારણે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના વિવિધ પ્રદેશોમાં મેઘમહેર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે (19મી સપ્ટેમ્બર) ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 12 રાજ્યોમાં વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગ અનુસાર, શનિવારે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
આ ઉપરાંત દક્ષિણના રાજ્યોમાં પણ ચોમાસાની સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે.ગુજરાતમાં પણ ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થતાં શુક્રવારે અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ અને અંડરપાસોમાં પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગનુસાર, રાજ્યમાં આજે પણ દિવસભર ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.બીજી તરફ ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં નવેસરથી હિમવર્ષા શરૂ થતાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉત્તરાખંડના ચમોલી, હેમકુંડ સાહિબ, કેદારનાથ અને રુદ્રનાથમાં હિમવર્ષા થતાં કેદારનાથ ધામમાં પારો શૂન્યથી નીચે ગગડી ગયો છે. જેને પગલે તંત્ર દ્વારા કેદારનાથ યાત્રા માટે ઍલર્ટ જારી કરી યાત્રાળુઓને સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે.

