હવામાન@દેશ: ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રારંભ, 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ હવે વિધિવત રીતે તીવ્ર વાવાઝોડાી તોફાન 'અર્નબ'માં ફેરવાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ઝડપથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તટીય વિસ્તારોમાં 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે.
આ વાવાઝોડાની સીધી અસર ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત રાજ્ય સરકારોએ NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દીધી છે તથા માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.વાવાઝોડા 'અર્નબ' ના કારણે દક્ષિણ ભારત અને પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે: તામિલનાડુ, કેરળ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઝારખંડ, બિહાર અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ વાવાઝોડાના પ્રભાવ હેઠળ આગામી ૨૬ થી ૨૯ ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
એક તરફ દક્ષિણ ભારત વાવાઝોડા સામે ઝઝૂમી રહ્યું છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે: જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા પહાડી વિસ્તારોમાં નવા સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બરફવર્ષા શરૂ થઈ છે. પહાડોમાંથી આવતા બર્ફીલા પવનોને કારણે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં તાપમાન શૂન્ય નજીક પહોંચી ગયું છે.

