હવામાન@દેશ: 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોમાસાની વિદાય સાથે જ દેશના અનેક રાજ્યોમાં સવાર અને રાત્રિના સમયે ઠંડી હવાનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ સ્થિતિ વચ્ચે ભારતીય હવામાન વિભાગ એ દેશના 23 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 60 કિલોમીટર સુધી પહોંચવાની અંદાજ છે.IMD ના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં થઈ રહેલા આ મોટા ફેરફારો પાછળ મુખ્યત્વે ત્રણ સિસ્ટમ સક્રિય છે: બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ સર્જાયું છે. પશ્ચિમ ભારતના રાજ્યોમાં ઉપરના વાતાવરણમાં સિસ્ટમ વિકસી રહી છે. પશ્ચિમ બંગાળ પર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે.
આ સિસ્ટમના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત 23 રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને હિમવર્ષાની શક્યતા હોવાથી પ્રવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.રાજધાની દિલ્હીમાં 50 km/h ની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 31°C અને લઘુત્તમ તાપમાન 21°C આસપાસ રહેશે.
પ્રયાગરાજ, મેરઠ, ગોરખપુર, આગ્રા અને કાનપુર સહિતના વિસ્તારોમાં 50 km/h ની ઝડપે પવન ફૂંકાશે. લખનૌમાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 22°C રહેવાની ધારણા છે.વૈશાલી, દરભંગા, સારણ અને ભાગલપુરમાં 30 km/h ના પવન સાથે વરસાદનું એલર્ટ છે. પટનામાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 23°C નોંધાઈ શકે છે. જબલપુર, ગ્વાલિયર, ઈન્દોર અને ઉજ્જૈનમાં 60 km/h ની ઝડપે ભારે વાવાઝોડું આવી શકે છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 21°C રહેશે.
અજમેર, ઉદયપુર, કોટા અને બિકાનેરમાં 30 km/h ની ઝડપે પવન ફૂંકાશે. જયપુરમાં મહત્તમ તાપમાન 34°C અને લઘુત્તમ તાપમાન 23°C રહેવાની સંભાવના છે.આ ઉપરાંત પંજાબ, હરિયાણા, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને પૂર્વોત્તરના રાજ્યો (આસામ, મેઘાલય) માં પણ ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કરી તંત્રને સજ્જ રહેવા સૂચના અપાઈ છે.

