હવામાન@દેશ: 24 કલાકમાં 20 રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના પૂર્વ અને ઉત્તર રાજ્યોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. યુપી તથા બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાં અર્નબ વાવાઝોડાએ ભારે કહેર મચાવેલો છે. હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાકમાં 20 જેટલા રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.75 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અનેક પહાડી વિસ્તારોમાં તો લેન્ડસ્લાઈડની પણ ચેતવણી છે. આ ઉપરાંત જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ભારે ચેતવણી આપી છે. તેમના જણાવ્યાં મુજબ આ વખતે મેઘો નવરાત્રી બગાડી શકે છે.
બંગાળની ખાડીમાં હાલ ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના કારણે પૂર્વ ભારત તરબોળ રહી શકે છે. આગામી 24 કલાકમાં ભારે આંધી તોફાન સાથે મૂસળધાર વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બંગાળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ તેલંગાણા, આંદામાન અને નિકોબાર તેમજ કેરળમાં આંધી સાથે ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડ અને હિમાચલમાં 29મી સુધી વરસાદ વરસી શકે છે. આવામાં ચોમાસું હજુ સપ્ટેમ્બરથી આગળ ઓક્ટોબર સુધી વધી શકે છે.
સામાન્ય રીતે ઉત્તર ભારતીય રાજ્યોમાં આ સમયે ચોમાસું વિદાય થઈ રહ્યું હોય છે. પરંતુ હાલ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.હાલ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનેલું છે. જેનાથી આ લેટેસ્ટ સિસ્ટમ વરસાદની સંભાવના વધારી રહી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર હોવાના કારણે ભેજવાળો પવન મેદાની વિસ્તારો તરફ આગળ વધી રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે.એક બાજુ બંગાળની ખાડીથી ભેજવાળો પવન આવે છે જ્યારે બીજી બાજુ પહાડી રાજ્યોમાં બરફવર્ષા બાદ ઠંડો પવન આવે છે. જેનું મેદાની વિસ્તારોમાં મહામિલન થઈ રહ્યું છે. આ અથડામણને કારણે મધ્ય અને પૂર્વી રાજ્યોમાં વાદળો છવાઈ રહ્યા છે. જેનાથી ભારે વરસા પડી રહ્યો છે.આ વખતે અલ નીનોને નબળું કરનારું લા નીના પણ હવામાનની પરિસ્થિતિઓને પ્રશાંત મહાસાગરમાં બદલી રહ્યું છે. જેના કારણો ચોમાસું ઓક્ટોબર સુધી ખેંચાયું છે. જેના કારણે સપ્ટેમ્બરમાં સામાન્યથી વધારે વરસાદ પડ્યો છે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સૂર્ય હસ્ત નક્ષત્રમાં આવેલો છે. ગામઠી ભાષામાં તેને હાથીઓ વરસશે એવું પણ કહેવાય છે.ગુજરાતમાં મોટાભાગમાં વાદળો છવાઈ શકે છે. 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબસાગરનો ભેજ અને બંગાળના ઉપ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગો પાટણ, સમી, હારીજા ભાગોમાં કદાચ અને સાબરકાંઠાના ભાગોમાં, બનાસકાંટામાં ક્યાંક ક્યાંક, રાજસ્થાન સંલગ્ન ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છમાં ક્યાંક ક્યાંક હાથીઓ ગાજવીજ સાથે વરસી શકે છે. તારીખ 30 સપ્ટેમ્બરથી ગરમી વધવાની પણ શક્યતા છે.

