હવામાન@દેશ: દિલ્હી-UP સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ વાવાઝોડાની ચેતવણી

 
વાવાઝોડું

બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમ સક્રિય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આંદામાન સમુદ્ર પર સક્રિય થયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, આ નવી હવામાન પ્રણાલીને લીધે દેશના 11 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને તેજ વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં શિયાળાના આગમન સાથે જ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. IMD ના જણાવ્યા મુજબ, ઉત્તર આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 23 ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પૂર્વ અને મધ્ય બંગાળની ખાડીમાં તે વધુ મજબૂત બની શકે છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે ગરમ સમુદ્રી પાણી અને અનુકૂળ વાતાવરણને કારણે આ સિસ્ટમ ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં ફેરવાય છે કે કેમ, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. પર્વતીય રાજ્યો જેવાં કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે.

હવામાનના ફેરફાર વચ્ચે દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 287 નોંધાયો છે, જે અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે. સવારે ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી. પ્રદૂષણ રોકવા માટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા 'ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન' (GRAP) નો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવ્યો છે.આ હેઠળ બાંધકામ પ્રવૃત્તિઓ, હોટેલોમાં કોલસા-લાકડાનો ઉપયોગ અને ડીઝલ જનરેટર પર પ્રતિબંધ મૂકાયો છે. 1 નવેમ્બરથી BS-VI ધોરણોથી નીચેના વાહનોના પ્રવેશ પર રોક લગાવાશે.