હવામાન@દેશ: ગુજરાત સહિત 11 રાજ્યોના વાતાવરણમાં મોટા પલટાની શક્યતા, ક્યાંક વરસાદ તો ક્યાં લૂની ચેતવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં હવામાનમાં મોટા પલટાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના રાજ્યો પર 1.5 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સાથે જ 15 એપ્રિલની રાતથી એક નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' હિમાલયના વિસ્તારોમાં પહોંચી રહ્યું છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનના બે અલગ-અલગ સ્વરૂપો જોવા મળી શકે છે.
પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધશે. તો બીજી બાજુ વરસાદી આગાહી વચ્ચે પણ રાજ્યના અનેક ભાગોમાં ગરમીનો પારો સામાન્ય કરતા ઊંચો રહેશે.
દરિયાકાંઠાના ગુજરાતમાં 14 થી 20 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. જે સામાન્ય જનજીવન પર અસર કરી શકે છે. જ્યારે ગુજરાતમાં મિશ્ર વાતાવરણ રહેશે, ત્યારે ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલમાં 18 એપ્રિલ સુધી ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. બીજી તરફ, દિલ્હીમાં આગામી 3-4 દિવસમાં તાપમાન 4 થી 5 ડિગ્રી વધી શકે છે.

