હવામાન@દેશ: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તાપીમાં સૌથી વધું 3 ઇંચ વરસાદ

 
હવામાન

પોરબંદર, જૂનાગઢના દરિયામાં 10-12 ફૂટ ઉંચા મોજા ઉઠવાની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દક્ષિણ ગુજરાતના સુરત-તાપી-વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના બોડેલી-નસવાડીમાં પણ 2-2 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં 79 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. ગુજરાતના દરિયા પાસે વાદળોની જમાવટ જોવા મળી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રથી કેરલ ટ્રોફ મજબૂત બની રહેલા વરસાદી પવનોથી વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, સોમનાથ, પોરબંદર, જૂનાગઢના દરિયામાં 10-12 ફૂટ ઉંચા મોજા ઉઠવાની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે વ્યાપકપણે એટલે કે 50 ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટનો અર્થ તંત્રને સર્જાનારી સ્થિતિ માટે તૈયાર રહેવાનો મેસેજ હોય છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.

દ્વારકા,સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના દરિયામાં 10થી 12 ફૂટ ઉંચા મોજા રહેશે તેવી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. વડોદરામાં મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઇ હતી. છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ શનિવારે મોડી રાત્રે મેઘરાજાનું આગમન થતાં ગરમીમાં રાહત મળી હતી. શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વડોદરાના રાવપુરા, કારેલીબાગ, સયાજીગંજ, માંજલપુર, આજવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.