હવામાન@ગુજરાત: રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું
પવનોની દિશામાં ફેરફાર થવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. આ સિવાય આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. એટલે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.હવામાન વિભાગે કહ્યુંકે રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની જોવા મળી રહી છે.પવનોની દિશામાં ફેરફાર થવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હજુ પણ આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડી વધશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટ્યું છે. નલિયા 6.4 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે. રાજકોટમાં 8.2 ડિગ્રી, કંડલામાં 8.9 ડિગ્રી તો કેશોદમાં 9.1 ડિગ્રી, પોરબંદરમાં 10.6 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 10.6 ડિગ્રી, ભુજમાં 10.8 ડિગ્રી, અમદાવાદમાં 13.5, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, ડીસામાં 12.1 ડિગ્રી નોંધાયું છે. મહુવામાં 12.6, વલ્લભ વિદ્યાનગરમાં 13.6 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.