હવામાન@ગુજરાત: અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું, અમદાવાદમાં તાપમાન 20 ડિગ્રી નીચે જવાની શક્યતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના અનેક વિસ્તારોમાં હવે રાત્રિ અને વહેલી સવારના સમયે ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ લઘુતમ તાપમાન કરતાં 2.5 ડિગ્રી ઓછું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાં પણ પારો 20 ડિગ્રીથી નીચે ગયો છે. જેમાં અમરેલીમાં 18.4 ડિગ્રી, ડીસામાં 18.8 ડિગ્રી અને ભુજમાં 19 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના સરેરાશ લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તાપમાનમાં થનારા આ ઘટાડાને કારણે રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે અને લોકોને હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે.રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. અમદાવાદમાં ગત રાત્રે લઘુતમ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી ઓછું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસમાં અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે. રાજકોટમાં 20, ગાંધીનગરમાં 20.2, વડોદરામાં 20.4, સુરતમાં 20.8 અને ભાવનગરમાં 21 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

