હવામાન@ગુજરાત: હીટવેવની ચેતવણી, ગરમી 40 ડિગ્રીને પાર, ઘરની બહાર જતાં લેવી કાળજી

 
હિતવેવ

ગુજરાતમાં સૌથી વધારે તાપમાન અમરેલીમાં નોંધાયું હતું.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ગુજરાતમાં ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરું કરી દીધું છે. દિવસે ને દિવસે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે હવે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીના પારાએ 40 ડિગ્રીનો આંકડો પાર કરી દીધો છે. ત્યારે આજે 18 એપ્રિલે ગરમીની વાત કરીએ તો આજે પણ ગરમી 40 ડિગ્રીની ઉપર રહેશે.જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. અને હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ગુજરાતમાં ફરી એકવાર ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 40થી 44 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ગુજરાતમાં સૌથી વધારે તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અહીં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં બુધવારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી પહોંચી ગયું હતું. જોકે, લઘુત્તમ તપામાન 26 ડિગ્રી નોંધાયું હતું.

 

ગુજરાતમાં ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ગુજરાતમાં હીટ વેવની આગાહી કરી છે. આ ઉપરાંત કોઈ ઈમર્જન્સી હોય તો જ ઘરમાંથી બહાર નીકળવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં હજી પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.અત્યારે મે-જૂન મહિનાની ગરમી બાકી છે. એપ્રિલ મહિનાના છેલ્લા 15 દિવસની વાત કરીએ તો હીટ સ્ટ્રોક, ચક્કર આવવા, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ઉલ્ટી અને તાવના 3200 થી વધુ કેસ 108 ઈમરજન્સી સેવામાં આવ્યા છે. ગરમીથી બચવા માટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.