હવામાન@ગુજરાત: અંબાલાલની ભારે આગાહી, કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે ખાબકશે વરસાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરી છે કે, ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. તેમણે કહ્યું કે, આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે. જેને લઈ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરાઇ છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 10થી 14મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે. જેમાં ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં વરસાદ પડશે. આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડશે. તેમણે કહ્યુ કે, ગરમીમાં ઘટાડો થયા પછી પુન:ગરમી વધશે. મે અને જૂનમાં દરિયાકિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સર્જાશે. તેમણે ઉમેર્યું કે, 16મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે.16 મેથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 24મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની શક્યતા છે. તેમની આગાહી મુજબ 17 જૂન બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે.