હવામાન@ગુજરાત: 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ?

 
આગાહી
કચ્છના કેટલાક જિલ્લાઓમાં વંટોળ સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ રાઉન્ડ માર્યો હતો. જોકે, હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસની વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે રાજ્યના આઠ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે આજે ગુરુવારે ગુજરાતના છ જિલ્લા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા,નવસારી, સુરત અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે.

કેટલાક ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક જિલ્લાઓમાં વંટોળ સાથે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડશે. આ વિસ્તારોમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે. શુક્રવારના દિવસે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડશે.