ઘટના@અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થિની હત્યા, વાલીઓએ હંગામો મચાવ્યો

 
વિરોધ
વિદ્યાર્થીઓએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બાળકના મોત બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ શાળામાં ભારે તોડફોડ કરી હતી.ગઈકાલે બનેલી હત્યાની ઘટના બાદ વિદ્યાર્થી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતો. વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વિદ્યાર્થીના મોત બાદ પરિવાર અને સમાજ રોષે ભરાયો હતો અને શાળામાં જઈને તોડફોડ કરી હતી. પરિવાર અને સિંધી સમાજ શાળામાં ઘુસી ગયા હતા અને પ્રિન્સિપાલ અને શાળાના શિક્ષકો સાથે ઝપાઝપી કરી હતી. તેમજ શાળામાં રહેલી વસ્તુઓની પણ તોડફોડ કરી હતી. આ સિવાય ટોળાએ શિક્ષકો અને પ્રિન્સિપાલને માર માર્યો હતો. શાળાએ આવેલા ટોળાઓ દ્વારા ન્યાય આપોના બેનર સાથે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીના મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. વિરોધ કરી રહેલા લોકોએ રસ્તા પર બેસી ન્યાય માટે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વાલીઓ દ્વારા રોડ પર બેસી જઈ રસ્તા રોકવામાં આવી રહ્યા છે.

આ મુદ્દે શાળાના એડમિન મયુરિકા પટેલે કહ્યું કે, અમે બાળક આરોપી સામે પગલાં લીધા જ હતા. આ પહેલાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પણ પગલાં લેવાયા હતા. આ ઘટના શાળાની બહાર રોડ પર બની હતી, જે વિશે અમને જાણ પણ નથી. અમે આરોપી બાળક સામે એક્શન લઇશું અને તેને એલસી આપી દઇશું. બાળક શાળામાં છરી લઈને નહતો આવ્યો તેણે બહાર ગાડીમાં રાખી હતી અને શાળાની બહાર આખી ઘટના બની છે.

ખોખરા પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો શાળાના જ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલામાં વિદ્યાર્થીને પેટમાં ગંભીર ઈજા થઈ છે. જૂની દુશ્મનાવટને કારણે વિદ્યાર્થીઓએ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે હુમલામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને ઘેરી લીધા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.