હવામાન@ગુજરાત: હજુ આટલા દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે, જૂન 25 થી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે. જૂન 26 થી જૂન 30 આસપાસના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.આ દરમિયાન ઉત્તર ગુજરાત, જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે.

દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળામાં 3થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, જુલાઈ 9 થી 15 માં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા છે, જે નદીઓ અને જળાશયોમાં પાણીની ભારે આવક કરી શકે છે અને પૂરની સ્થિતિ સર્જી શકે છે. આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકો બંનેએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને દરિયામાં કરંટ રહેવાની શક્યતાને પગલે, જૂન 29 સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.