હવામાન@ગુજરાત: અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી, તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના

 
હવામાન

ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ફરી એકવાર કાતિલ અને કડકડતી ઠંડીને લઈને આગાહી સામે આવી છે. ચોમાસાની વિદાય બાદ હવે અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. આગામી પ્રમાણે આગામી 11 નવેમ્બરથી સિસ્ટમ સર્જાશે અને ડિસેમ્બરમાં હાડ ગાળતી ઠંડી પડશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો બહુ જલદી શરૂ થઇ જશે. ગુજરાતના જાણીતા હવામાન કાર અંબાલાલ પટેલે વરસાદ બાદ હવે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે, રાજ્યમાં શિયાળાના માહોલ ડિસેમ્બરમાં જામી જશે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજાવતી ઠંડી પડશે. અંબાલાલના મતે 14 થી 18 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક લૉ પ્રેશર સર્જાશે, અને દક્ષિણ પૂર્વીય તટો પર આ લૉ પ્રેશરની અસર જબરદસ્ત જોવા મળશે. આગામી 18 થી 24 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત અને પવનો પણ ફૂંકાશે. 19 થી 22 નવેમ્બરની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 11 નવેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઇ જશે અને ડિસેમ્બરમાં હાડ ગાળતી ઠંડી પડશે.

ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. IMD મુજબ દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. નવેમ્બરના મધ્ય સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા ઠંડીનું જોર વધવાની શક્યતા છે. 15 નવેમ્બર પછી આ રાજ્યોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.