છેતરપિંડી@ગુજરાત: 1.71 કરોડના ગોલ્ડલોન કૌભાંડમાં 2ની ધરપકડ, હજુ 13 આરોપીઓ પોલીસ પકડથી દૂર

 
આરોપી
વેપારી મંડળમાંથી ગોલ્ડ લોન લઈને કેટલાક શખ્સોએ બોગસ સોનુ પધરાવ્યું હતું

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

ઠાસરા વેપારી મંડળમાં ગોલ્ડ લોન લઈને નકલી સોનુ બેંકમાં આપીને રૂ.૧.૭૧ કરોડની છેતરપિંડી આચરી હોવાની ઠાસરા વેપારી મંડળના વેલ્યુઅર સહિત ૧૫ શખ્સો વિરૂદ્ધ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ૧૨૦ દિવસ બાદ એફઆઈઆર નોંધી ૧૫માંથી માત્ર બે શખ્સોને ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. તેમજ ફરાર ૧૩ આરોપીઓને ઝડપી લેવા માંગ ઉઠી છે. 

 

ઠાસરા વેપારી મંડળમાંથી ગોલ્ડ લોન લઈને શખ્સોએ બોગસ સોનુ પધરાવ્યું હતું. જે અંગે ઠાસરા વેપારી મંડળ દ્વારા ૧૫ શખ્સો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી સોનાના દાગીના બનાવનાર અબ્દુલહુસૈન અબ્દુલમુકીદ કાઝી (ઉં.વ. ૪૭, રહે. કાજીવાડો, ઠાસરા, મુળ રહે. પશ્ચિમ બંગાળ) અને ખેડૂત અજીતસિંહ રમણભાઈ રાઠોડ (ઉં.વ. ૪૮, રહે. મીઠાનામુવાડા, તા. ગળતેશ્વર)ને ઝડપી પાડયા હતા. 

પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી બંનેના રિમાન્ડ મેળવવા તથા અન્ય ફરાર આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ૧,૧૦૦ સભાસદો ધરાવતા વેપારી મંડળને બોગસ સોનુ પધરાવી રૂ.૧,૭૦,૯૭,૦૦૦ની છેતરપિંડી કરવા અંગે ઠાસરા વેપારી મંડળે પોલીસમાં ફરિયાદ લખાવ્યા બાદ ૧૨૦ દિવસ પછી ઠાસરા પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારે ૧,૧૦૦ સભાસદો સાથે થયેલી ઠગાઈ અંગે લાંબો સમયસુધી એફઆઈઆર ના નોંધતા પોલીસની રહેમનજર હેઠળ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો તથા ૧૫ માંથી માત્ર બે આરોપીઓને ઝડપી દેખાવ પુરતી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ સભાસદોએ લગાવ્યા છે.