હવામાન@ગુજરાત: 9.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ, માવઠા પછી ઠંડીનો ચમકારો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અનેક જગ્યાએ વરસેલા કમોસમી વરસાદને પગલે હાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠા બાદ ઘણા શહેરોમાં તાપમાન ગગડ્યુ છે. જેના પરિણામે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ પડેલા માવઠા બાદ ગુજરાતમાં 9 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચુ નોંધાયુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાશે, જેની ઝડપ 15થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આઈએમડીના જણાવ્યા મુજબ આ વર્ષે ઉનાળામાં માવઠાઓ થવાની સંભાવના છે. જો કે, ગયા વર્ષ કરતા આ વખતે ઉનાળામાં તાપમાન ઉંચુ રહેશે.
ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તેવી સંભાવના છે. જેના પગલે ગુજરાતમાં માવઠુ થઈ શકે છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સના કારણે હજુ ઠંડી આવશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેશે તેમજ 11થી 13 માર્ચ દરમિયાન અમુક જગ્યાએ માવઠુ થઈ શકે છે. 20 માર્ચ પછી ગરમી વધશે. જો કે, ઉનાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણી વાર વાતાવરણમાં પલટો આવશે.