હવામાન@ગુજરાત: રાજ્યમાં માવઠાની સાથે અંગ દઝાડતી ગરમીની આગાહી

 
આગાહી
જ્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી પણ દર્શાવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અઢી ડિગ્રી સુધી ઉંચકાઇ હતી. 10 થી 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં આગામી પાંચ દિવસ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસકમ્ફોર્ટ કન્ડિશન રહેશે. ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. જો કે તાપમાનનો પારો ઉચકાવાની શક્યતા નથી. શનિવારે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન સાથે વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.01 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.08 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં 38.08, સુરત 37.04, દીવમાં મહત્તમ તાપમાન 40.04 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ઓખામાં 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી અને નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 39, વડોદરા 37.04 તથા સુરતમાં 37.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી પણ દર્શાવી છે. ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.