હવામાન@ગુજરાત: આ શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર, આકરી ગરમીએ જનતાને બેહાલ કરી
આગામી 48 કલાક ભારે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત કાળઝાળ ગરમીમાં શેકાયું છે પરિણામે લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ ટાળ્યું છે. શહેરોમાં વાહનોથી ધમધમતા માર્ગો પર સૂનસાન બન્યાં હતાં. ભરબપોરે જનતા કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.આ સ્થિતિમાં જો હિટસ્ટ્રોકના દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે હેતુસર રાજ્ય આરોગ્ય વિભાગે તમામ જિલ્લા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં હિટ મેનેજમેન્ટ રૂમ ઊભા કર્યા છે.
આ ઉપરાંત હિટવેવની સ્થિતિમાં શું કરવું તે અંગે રાજ્ય આરોગ્ય વિભાગે ખાસ એડવાઈઝરી પણ જાહેર કરી છે. હવામાન ખાતાએ વ્યક્ત કરેલી સંભાવના મુજબ, આગામી 48 કલાકમાં ઉષ્ણતામાન આંકમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.એક તરફ, મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બીજી તરફ, રાજ્યમાં કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. વધતી ગરમીને લીધે લોકો બપોરે ઘરમાં જ પુરાઈ રહ્યાં હતાં. ગરમીથી બચવા લોકોએ શેરડીના રસથી માંડીને જ્યુસ સહિતના ઠંડાપીણાનો સહારો લેવો પડ્યો હતો. બે ત્રણ દિવસથી અતિશય ગરમીને લીધે લૂ લાગવાના કેસો પણ વધ્યાં છે.
હિટસ્ટ્રોકને લઈને આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે.હજુ બે-ચાર દિવસ સુધી હિટવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી આગાહીને જોતાં આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં 'હીટ-હેલ્થ એક્શન પ્લાન' કાર્યરત કર્યો છે. બધીય સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, ઓઆરએસ અને આઈસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાંચ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત 'હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ'ની સુવિધા પણ ઊભી કરાઈ છે.

