હવામાન@ગુજરાત: ફરી વાતાવરણમાં આવ્યો પલટો, આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, અંબાલાલની આગાહી

 
અંબાલાલ

જિલ્લાના ગણદેવી તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો છે. તો તાપી, વલસાડ, નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે.દાહોદ, છોટા ઉદેપુર, ભાવનગરમાં પણ કમોસમી વરસાદથી ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા સેવાઇ રહી છે.રાજ્યના 9 જિલ્લામાં ઝરમર કમોસમી વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.

26 અને 27 એપ્રિલ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવા વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. અંબાલાલના અનુમાન મુજબ રાજ્યના તમામ ઝોનમાં ઝરમર વરસાદ વરસી શકે છે.રાજ્યમાં આકરી ગરમીના પ્રકોપ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લા કલેકટર કચેરી તરફથી આજે મતદાન જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરાયું છે. આ રેલીમાં વરસતા વરસાદમાં નીકળી હતી. આ તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. તાપીના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આકરી ગરમી વચ્ચે વહેલી સવારે ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

માવઠાના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે.આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં વહેલી સવારના સમયે માવઠુ વરસ્યું છે. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને થોડીવારમાં વરસાદી ઝાપટું વરસ્યું છે.દાહોદનાં વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાહોદ શહેર સ્ટેશન રોડ તેમજ છાપરી, ગલાલિયાવાડ, રળિયાતી રાબડાલ સહિત આસપાસના વિસ્તારમાં ઝાપટું પડ્યું છે.નવસારી જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. જિલ્લાના ગણદેવી તાલુકાના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે.