હવામાન@ગુજરાત: આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા ફરીથી પાછી ભારે બેટિંગ કરશે. હવામાન વિભાગની આગાહીના પગલે માછીમારોને બે દિવસ દરિયાથી દૂર રહેવાની સલાહ અપાઇ છે.અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરી છે, તેમણે કહ્યું કે, 14 અને 15 જુલાઈએ રાજસ્થાનના ભાગોમાં સિસ્ટમ જશે. 17 અને 18 માં ઉત્તર ભારત તરફ સિસ્ટમ જતા ત્યાં વરસાદ રહેશે.
18 અને 19 જુલાઈ વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈએ લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદ વધશે. બીજી સિસ્ટમના કારણે 23 થી 30 સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 26 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ રહશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને, પંચમહાલમાં આજે ભારે વરસાદની આગાહી છે. આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
1 ઓગસ્ટથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 6 થી 10 ઓગસ્ટમાં ભારે વરસાદની શકયતા છે. તાપી નદીનું જળ સ્તર વધશે. આ પહેલા નર્મદા અને સાબરમતી નદીમાં જળ સ્તર વધવાની શકયતા પણ વ્યક્ત કરી.24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ નોંધાયો. બનાસકાંઠામાં મોડીરાત બાદથી મેઘાની બેટિંગ ચાલી રહી છે. બનાસકાંઠાના દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદ આવ્યો. તો પાલનપુરમાં 4.5, ડીસામાં 3.75 ઈંચ વરસાદ, ભાવનગરના ઉમરાડા, પાલિતાણામાં 3 ઈંચ વરસાદ, બનાસકાંઠાના વડગામમાં વરસ્યો 2.5 ઈંચ વરસાદ, ગીરસોમનાથના ઉનામાં 2.25 ઈંચ વરસાદ નોંધાયો. તો ધ્રાંગધ્રા, ગઢડા, કપરાડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો.