હવામાન@ગુજરાત: તાપમાનમાં વધારો કે ઘટાડો થશે? હવામાન અંગેની આગાહીઓ જાણો વિગતે

 
હવામાન
હવામાન નિષ્ણાતે ફરીથી માવઠું આવશે તેવી પણ આગાહી કરી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે આગાહી આપી છે. ગુજરાતમાં માવઠા બાદ ફરીથી ઠંડીનો ચમકારો અનુભાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે તેમ જણાવ્યુ છે. જ્યારે હવામાન નિષ્ણાતે ફરીથી માવઠું આવશે તેવી પણ આગાહી કરી છે.

આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. તે બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે હાલ ઉનાળું પાકનું વાવેતર કરવું કે ન કરવું તેને લઈને ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. હવે ઉનાળું પાકનું વાવેતર કરી દેવું જોઈએ. જેમાં અળદ, તલ, બાજરી, મગફળીનો સમાવેશ થાય છે. તેમણે મોડામાં મોડું 10થી 12 માર્ચ સુધીમાં ઉનાળું પાકનું વાવેતર કરી દેવાની સલાહ ખેડુતોને આપી છે.

10 માર્ચ આવતા-આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે. આમ ઠંડીના માહોલથી છૂટકારો મળશે. માર્ચમાં બે વખત માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમાં 10થી 12 માર્ચ દરમિયાન ઉત્તર ભારત પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે.