ગૌરવ@ગુજરાત: મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં પીએચડી કર્યુ, ભાષામાં ભાઇચારાનો શ્રેષ્ઠ દેખાવ
અટલ સમાચાર, ડેસ્ક
સૌથી પ્રાચીન ભારતીય ભાષા સંસ્કૃતનું મહત્વ ઘટતું જાય છે. ત્યારે બીજી તરફ સંસ્કૃતનું મહત્વ સમજીને અમરેલીની મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃતમાં Ph.D. સુધીનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું. 1 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાત યુનિવર્સિટીએ કુરેશી સલમાબેન કેશુભાઈને ગુજરાત યુનિવર્સિટીએ સંસ્કૃત વિષયમાં Ph.D.ની પદવી એનાયત કરી છે. યુનિવર્સિટીના સંસ્કૃત-વિભાગમાંથી વિદ્યાર્થિની કુરેશી સલમાબેન કેશુભાઈએ पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम् આ વિષય ઉપર સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. અતુલભાઈ ઉનાગરના માર્ગદર્શનમાં Ph.D. સંપન્ન કર્યું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઈગોરાળા ગામની સામાન્ય પરિવારમાં જન્મેલી સલમાએ સંસ્કૃતમાં રહેલા જ્ઞાનને પ્રાધાન્ય આપીને તેના સઘન અભ્યાસ માટે ગામ છોડીને સમરસ હોસ્ટેલમાં રહીને વિજ્ઞાનભાષા સંસ્કૃતમાં અધ્યયન કરવાનું પસંદ કર્યું. પદ્મભૂષણ ડૉ. કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 22 વખત સંસ્કૃતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રાષ્ટ્રીય નીતિના ડ્રાફ્ટમાં ભારતીય પ્રાચીન શિક્ષણને ખૂબ જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ જ ક્ષેત્રમાં કુરેશી સલમાએ પુરાણોને આધાર બનાવીને શિક્ષણના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યોને શોધીને તેનું વર્તમાન સમયમાં અનુશીલન કર્યું છે.
વર્તમાન સમયમાં અને આવનાર પેઢીને આપણા મહર્ષિઓ દ્વારા સંશોધિત અને પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંતો કેવી રીતે ઉપકારક સાબિત થઈ શકે તેવું શ્રેષ્ઠ કાર્ય કુરેશી સલમાએ કર્યું છે. આ કાર્ય દ્વારા સાચા અર્થમાં કેળવણી અને ઘડતર તરફ એક દિશા નિર્દેશ મળી રહેશે તેમાં શંકાને સ્થાન નથી. આ સંશોધન ગુજરાતના જ નહીં પણ દેશના શિક્ષણવિદો, શિક્ષકો, આચાર્યો અને શાળા સંચાલકોને સહાયરૂપ સાબિત થશે.
ગુજરાત યુનિવર્સિટી આવાં અનોખા અને મહત્વપૂર્ણ કામ માટે હંમેશા અગ્રેસર રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તત્કાલીન ગૃહપ્રધાન રાજનાથસિંહ દ્વારા 2018માં સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃતની સ્થાપના કરવામાં આવી છે. સંસ્કૃત વિકાસના આ જ ક્રમમાં આ વર્ષે પ્રવર્તમાન કુલપતિ પ્રો. હિમાંશુ પંડ્યાએ મહર્ષિ પાણિનિ સંસ્કૃત સંવર્ધન કેન્દ્રની સ્થાપના કરી છે. ગુજરાત જ નહીં દેશમાં ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત સેવા માટે અગ્રેસર રહી છે.