કાર્યવાહી@આણંદ: મધરાત્રે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ, અચાનક પોલીસ ત્રાટકી અને 26 લોકો ઝડપાયા

 
Anklav Police

અટલ સમાચાર, ડેસ્ક

આણંદમાં આંકલાવ પોલીસે ફરી એક વખત સપાટો બોલાવ્યો છે અને દારૂની મહેફિલ પકડી પાડી છે. મોડીરાત્રે પોલીસે દારૂની મહેફિલ પર રેડ કરી હતી. પોલીસે રેડ કરી દારૂની મહેફિલ માણતાં 26 લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ગત મોડી રાત્રે આંકલાવ પોલીસે કાર્યવાહી હાથ ધરતાં દારૂની મહેફિલ પર રેડ કરી હતી. 

આંકલાવનાં ભાણપુરા નજીક આવેલા સ્વપ્ન શ્રુષ્ટિ ફાર્મ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી હતી, ત્યારે જ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. આ દરમિયાન પોલીસે મહેફિલની મજા માણી રહેલા 26 લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે રેડ કરી ત્યારે આ લોકો દારૂ પાર્ટીની મજા માણી રહ્યા હતા, ત્યારે પોલીસે રંગમાં ભંગ પાડી તમામ લોકોને ઝડપી પાડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તમામ લોકો વડોદરા જિલ્લાના હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને, ટૂંકા ગાળામાં પોલીસે ત્રીજી મહેફિલ ઝડપી પાડી છે. જ્યારે અગાઉ પણ આંકલાવમાં ખાનગી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઇ ચૂકી છે.