આણંદઃ એક મહિલા સમાજ સેવિકાને લોકોએ પીપળાના ઝાડ સાથે બાંધી માર માર્યો
kbht

અટલ સમાચાર, ડેસ્ક

આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુરના ચુનારવાડ વિસ્તારની એક મહિલાને સ્થાનિક લોકોએ તાલિબાની સજા આપી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ કેસમાં મહિલાને તાલિબાની સજા આપનાર બે મહિલા અને બે પુરુષો વિરૂદ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.  

લોકોનો દાવો છે કે મહિલાએ તેમને સરકારી યોજનાના લાભ અપાવવાની લોભામણી લાલચો આપી હતો. મહિલાએ અનેક લોકોને ઠગ્યા હોવાનો આક્ષેપ થયો છે. અનેકવાર લોભામણી લાલચ આપ્યા બાદ સ્થાનિકોને લાભ નહીં મળતાં મહિલાને ઝાડ સાથે બાંધી તાલિબાની સજા આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન લોકોએ મહિલાને અપશબ્દો પણ કહ્યા હતા.


આ અંગે વધુ વિગત જોઈએ તો ચુનારવાડમાં રહેતા એક સમાજ સેવિકાને લોકોએ પીપળાના ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. લોકોનો દાવો છે કે મહિલાએ એકાદ વર્ષ પહેલા સુનિલ ઉર્ફે જાગો ચુનારા, કોકીલા મીના ચુનારાના બેંક ખાતા ખોલાવી આપ્યા હતા. આ ઉપરાંત બીજા કામ પણ કરાવી આપ્યા હતા. બાદમાં મહિલાએ વિવિધ સરકારી યોજનાના કામ કરી આપવાની બહાને પૈસા પડાવ્યાના આક્ષેપ થયા હતા. આ જ કડીમાં ચાર લોકોએ મહિલા પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી.

સાતમી જુલાઈના રોજ ચારેય લોકોએ મહિલાને પૈસા સાથે મળવા આવવાનું કહ્યું હતું. જોકે, મહિલા પોતાની સાથે પૈસા લઈને ન આવતા ચારેયએ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી.

એવી પણ માહિતી મળી છે કે અકબરપુર ગામ ખાતે મોટાભાગે મજૂરી કરીને ગુજરાત ચલાવતા લોકો રહે છે. જેમાં દૈનિક છૂટક મજૂરી કરતા લોકો, ભંગારનું કામ કરતા લોકો સામેલ છે. આ મહિલાએ ગામના લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવાની વાત કરી હતી. જેમાં મુખ્યત્વે શૌચાલય યોજના તેમજ વિધવા સહાયનો લાભ અપાવવાની વાત કરી હતી.

વિવિધ યોજનાઓનો લાભ અપાવવાના બહાને મહિલાએ ગામના લોકો પાસેથી પૈસા લીધા હતા. આ દરમિયાન લોકોને સહાયનો લાભ ન મળતા તેઓ અકડાયા હતા અને મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી. આ મામલે આણંદ ટાઉન પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.